આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિતિમાં વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો

આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિતિમાં વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો

આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિતિમાં વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો

Blog Article

વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રમાં અનોખી પહેલ શરૂ કરી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ.

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સીડબોલ બનાવવાનો તથા સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.

રાજ્યપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુદેવ શ્રી રવિશંકરજીએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા સાથે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરૂરી છે.

રાજ્યપાલે ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. એટલું જ નહીં પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે.

પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ જેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો માનવજાતને મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક જીવનશૈલી અપનાવી પ્રકૃતિનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ બદલ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલશ્રીએ સૌ નાગરિકોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.

Report this page